સરકાર નવા સપ્લાયર્સની શોધમાં, રશિયા બન્યું આશાનું કિરણ; હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાનો કોઈ પ્લાન નથી

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત પાસે હવે માત્ર 25 દિવસનો ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલ અને રિફાઈન્ડ ઓઈલનો સ્ટોક બચ્યો છે.
ન્યૂઝ એજન્સી ANIએ દેશની એનર્જી સિક્યોરિટીને લઈને આ અપડેટ સરકારી સૂત્રો અનુસાર આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને કાચા તેલ, LPG અને LNG માટે વૈકલ્પિક દેશો સાથે વાતચીત કરી રહી છે, જેથી સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ ન આવે.
ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. સાથે જ ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે જો આ રૂટ પરથી કોઈ પણ જહાજ પસાર થશે, તો તેને આગ લગાડી દેવામાં આવશે. ઓમાન અને ઈરાન વચ્ચે સ્થિત આ રૂટ દુનિયાના ઓઈલ બિઝનેસ માટે સૌથી જરૂરી માનવામાં આવે છે.
હોર્મુઝ રૂટ બંધ થવાથી દુનિયાના ઘણા દેશોની તેલ સપ્લાય પર અસર પડશે, જેમાં ભારત સહિત એશિયન દેશો પર સૌથી વધુ અસર થશે. આ રૂટ બંધ થવાને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો પણ 100 ડોલર પ્રતિ બેરલને પાર જઈ શકે છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 5.58% વધીને 80.41 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાનો હાલ કોઈ પ્લાન નથી

આ પહેલા સોમવારે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સરકારી તેલ કંપનીઓ સાથે એક ઉચ્ચ-સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીની સપ્લાય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ બદલાતી પરિસ્થિતિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.બેઠકમાં લોજિસ્ટિક ઓપરેટર્સ અને શિપિંગ લાઇન્સના પ્રતિનિધિઓએ જણાવ્યું કે વર્તમાન તણાવને કારણે જહાજોના રૂટ બદલવા પડી રહ્યા છે, જેનાથી ટ્રાન્ઝિટ ટાઈમ વધી ગયો છે. આ ઉપરાંત, માલસામાનની હેરફેર અને ઇન્શ્યોરન્સના ખર્ચમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકારે એક્સપોર્ટર્સ અને ઇમ્પોર્ટર્સ માટે ડોક્યુમેન્ટેશન અને પેમેન્ટ પ્રોસેસને સરળ બનાવવા અને કાર્ગો મૂવમેન્ટમાં વિલંબ ઘટાડવા પર ભાર મૂક્યો છે.




