//અમેરિકાએ કહ્યું- કુવૈતે અમારા 3 ફાઇટર જેટ તોડી પાડ્યા

અમેરિકાએ કહ્યું- કુવૈતે અમારા 3 ફાઇટર જેટ તોડી પાડ્યા

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અમેરિકાએ જણાવ્યું કે કુવૈતે તેના 3 F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટ્સને તોડી પાડ્યા છે.

અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર, કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી આ વિમાનોને દુશ્મન સમજીને નિશાન બનાવ્યા હતા. આ અકસ્માતમાં તમામ અમેરિકી પાઇલટ સુરક્ષિત છે.

બીજી તરફ ઈરાને સાયપ્રસમાં બ્રિટિશ રોયલ એર ફોર્સ (RAF)ના અક્રોતિરી બેઝ પર ડ્રોન હુમલો કર્યો છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે મોડી રાત્રે થયેલા આ હુમલામાં બેઝને નજીવું નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

તેના જવાબમાં બ્રિટિશ સેના કાર્યવાહી કરી રહી છે. હકીકતમાં, બ્રિટિશ PM કીર સ્ટારમરે ઈરાની મિસાઈલ સાઈટ્સ પર હુમલા માટે અમેરિકાને આ બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

ઈરાને સોમવારે મિડલ-ઈસ્ટના 4 દેશોમાં 6 અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. કુવૈતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ ક્રેશ થયા છે. જેટ હવામાં ગોળ-ગોળ ફર્યા બાદ થોડી જ વારમાં જમીન સાથે અથડાયા હતા. જોકે, આમાં કોઈનું મોત થયું નથી.

બીજી તરફ, ઈરાનના ટોપ નેશનલ સિક્યોરિટી અધિકારી અલી લારીજાનીએ સોમવારે કહ્યું કે ઈરાન અમેરિકા સાથે કોઈ વાતચીત કરશે નહીં. આ નિવેદન એવા અહેવાલોના જવાબમાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાને અમેરિકા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે.